આમાં મજા પડી? લો, એના જેવું બીજું!
િલ્મો, મ્યુઝિક, પુસ્તકો, ટીવી શોઝ વગેરેની દુનિયામાં નવોસવો રસ પડ્યો હોય અને એમાં વધુ ઊંડા ઊતરવાની ઇચ્છા હોય તો એક બિગ પ્રોબ્લેમ આવીને ઊભો રહે છે કે એક વસ્તુ એન્જૉય કર્યા પછી હવે શું? મતલબ કે, ‘સેવિંગ પ્રાઇવેટ રાયન’, ‘ઇન્સેપ્શન’, ‘હેરી પોટર’, ‘ઇટ્સ અ વન્ડરફુલ લાઇફ’, ‘ગ્લેડિયેટર’ વગેરે જેવી ફિલ્મો જોઇ હોય, મજા પડી હોય અને આવી વધુને વધુ ફિલ્મો જોવી હોય તો એવી ફિલ્મોનાં નામ ક્યાંથી મળે?
ડિટ્ટો, બિટલ્સ, સ્પાઇસ ગલ્ર્સ, પિંક ફ્લોઇડ, એન્રિક ઇગ્લેશિયસ, રેડ હોટ ચિલી પેપર્સ વગેરેનાં કોઇ આલબમ કે એકાદું ગીત સાંભળ્યું હોય પરંતુ એ ગીત કોનું છે અને એવાં વધુ ગીતો સાંભળવાની ઇચ્છા હોય તો એ કોણ શોધી આપે? એવું જ પુસ્તકોનું છે. ચેતન ભગતની ચાર નોવેલ્સ વાંચી હોય, એમાં મજા પડી હોય, અને એવી વધુ નોવેલ્સ વાંચવાની ઇચ્છા થાય તો એની માહિતી ક્યાંથી મળે?
પહેલો જવાબ ઇન્ટરનેટ હોઇ શકે. ગૂગલમાં જે તે કૃતિ કે કલાકારનું નામ એન્ટર કરો અને જે હજજારો રિઝલ્ટ્સ મળે એમાંથી ખાંખાખોળાં કરીને વધુ માહિતી મેળવી શકાય. બીજો ઓપ્શન ફેસબૂક આદિ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર એનાં ગ્રુપ્સ ફંફોસીને ‘દિલ માગે મોર’ની વૃત્તિ સંતોષી શકાય. લેકિન, લોચો એ છે કે એમાં બહુ બધો ટાઇમ બગાડી, દિમાગ ખપાવીએ તેમ છતાં જે માહિતી મળે, તે આપના ટેસ્ટ મુજબની હોય જ એની કોઇ ગેરન્ટી નહીં. તો કિયા ક્યા જાયે?!
પેશ છે, ટેસ્ટકિડ (www.tastekid.com). આ સાઇટ પર જતાં વેંત એક મોટો સર્ચ બાર આપનું સ્વાગત કરશે. એની ઉપર મ્યુઝિક, મુવિઝ, શોઝ, બુકસ, ઓથર્સ વગેરે વિભાગ આપેલા હશે. તેના પર ક્લિક કરી અને સર્ચ બારમાં આપની ઇચ્છા પ્રમાણેની કૃતિ, સર્જક વગેરેનું નામ એન્ટર કરતાં વેંત એના જેવા અને તમને મજા પડી શકે એવા વિકલ્પની પંદર-સત્તર વિકલ્પની યાદી હાજર થઇ જશે. ધારો કે, તમે ‘જેફરી આર્ચર’ સર્ચ કર્યું. તો એના પરથી આપના માટે રેકમેન્ડેશન તરીકે શિડની શેલ્ડન, મારિયો પુઝો, જેફરી ડીવર, એલિસ્ટર મેકિલનથી લઇને અરુંધતી રોય, ચેતન ભગત, ખાલિદ હોસૈની સુધીના વિકલ્પ હાજર થઇ જશે.
હા, આ અદભૂત સાઇટનો વધુ કસ કાઢવા માટે આપે આપનો ટેસ્ટ ગ્લોબલ બનાવવો પડે અને આપનું અંગ્રેજી કૃતિઓનું રસપાન કરવાનું ફલક વિસ્તારવું પડે. બાય ધ વે, આપે આઇ-ફોન કે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમવાળો મોબાઇલ ફોન વસાવ્યો હોય તો તેના પરથી આ સાઇટ વાપરવાનાં એપ્લિકેશન્સ પણ અહીં ઉપલબ્ધ છે. અને હા, આ સાઇટ ફેસબૂક, ટિ્વટર આદિ ઠેકાણે તો હાજરાહજૂર છે જ!
બધું જ કલાસિક આપના ઇશારે!
ઓકે, ફાઇન! તમને તમારા રસની ફિલ્મો, મ્યુઝિક આલબમ્સ, પુસ્તકો વગેરેનાં નામ મળી ગયાં પરંતુ એને મેળવવા ક્યાંથી? સિમ્પલ વાત છે કે ફિલ્મો નજીકની વીડિયો લાઇબ્રેરીમાંથી મળી શકે. મ્યુઝિક આલબમ્સ ગયા મહિને વાત કરી એ listen.grooveshark.com/, www.google.co.in/music, www.saavnmusic.com, www.in.com/music વગેરે ઠેકાણેથી સાંભળવા મળી શકે પરંતુ વિશ્વકક્ષાનાં અને પ્રમાણમાં દુર્લભ એવાં પુસ્તકો મેળવવા અઘરાં પડે છે. આમ તો, એના ઉપાય તરીકે ઇન્ટરનેટ gutenberg.org, www.readprint.com જેવા વિકલ્પો ઉપલબ્ધ છે જ પરંતુ અંગત અનુભવ એવું કહે છે કે કમ્પ્યુટરના સ્ક્રીન પર બહુ બધું વાંચવું કંટાળાજનક ક્રિયા છે.
હા, કંઇક સાંભળવાનું હોય તો વાત જુદી છે. ઉપાય તરીકે પેશ છે, www.booksshouldbefree.com. આ સાઇટ નિ:શુલ્ક ઓડિયો બુકસનો ખજાનો છે. અહીં, ફિકશન, નોન-ફિકશન, ચિલ્ડ્રન, હિસ્ટ્રી, ફેન્ટસી, મિસ્ટરી, સાયન્સ ફિકશન, શોર્ટ-સ્ટોરી, કવિતા વગેરે સાહિત્યપ્રકારો પર પ્રકાશિત થયેલાં નામી પુસ્તકોનાં ઓડિયો વર્ઝન્સ સાંભળવા માટે અને માત્ર એક ક્લિકથી એમપીથ્રી, આઇપોડ કે આઇટયૂન્સ ફોર્મેટમાં ડાઉનલોડ કરવા માટે એકદમ રેડી છે. બસ, અહીં જાઓ, પુસ્તક શોધો અને કાનમાં ઇયરપ્લગ્સ ભરાવીને એ પુસ્તક સાંભળવા માંડો! એની ઇ-બૂક ડાઉનલોડ કરવી હોય કે વધુ વિગતો જાણવાની ઇચ્છા થાય તો તેની લિંકસ પણ અહીંથી મળી રહેશે.
પણ હા, અહીં આપને સાવ નવાં પુસ્તકો નહીં મળે, કેમ કે એમાં કોપીરાઇટનો મામલો આડે આવે છે પરંતુ એ પુસ્તકો આપ ઓનલાઇન બૂક શોપ્સમાંથી અને જે તે પ્રકાશકની સત્તાવાર વેબસાઇટ્સ પરથી સારા એવા ડિસ્કાઉન્ટ સાથે ધેરબેઠા મેળવી જ શકો છો.
જો વધુ ઓડિયો બૂક્સ સર્ચ કરવાની ઇચ્છા જાગે તો આ સાઇટ્સ પર પણ વન બાય વન ક્લિક કરી જુઓ: www.newfiction.com, www.thoughtaudio.com/, librivox.org/, www.podiobooks.com, www.openculture.com, www.learnoutloud.com.
ધેરબેઠાં ટાઇમટ્રાવેલ, એક જ ક્લિકથી!
અત્યારના સમયમાંથી ભૂતકાળના કોઇ સમયમાં જઇ શકવાની ‘ટાઇમટ્રાવેલ’ની સુવિધા તો હજી સાયન્સ ફિકશન કથાઓ અને થિયરીઓ પૂરતી જ મર્યાદિત રહી છે પરંતુ ઇન્ટરનેટના આગમન પછી જે માત્રામાં પુરાણા ફોટોગ્રાફ્સ, ઓડિયો અને વીડિયો કન્ટેન્ટ સામાન્ય લોકો માટે પણ તદ્દન મફતમાં ઉપલબ્ધ થયું છે, એ જોતાં એવું બેશક કહી શકાય કે ભલે, વરર્યુઅલ પણ આપણે અંશત: ટાઇમટ્રાવેલની મજા તો માણી જ શકીએ છીએ.
જેમ કે, પુરાણી તસવીરો માટે વિખ્યાત ‘લાઇફ’ મેગેઝિને લાખો તસવીરોનો ખજાનો આપણી સામે ધરી દીધો છે. એ ખજાનો મેળવવા માટે www.life.com તથા images.google.com/hosted/life અને www.timelifepictures.com પર જાઓ. પરંતુ તસવીરો ઉપરાંત વીતેલા જમાનાના વીડિયો પણ જોવા-સાંભળવામાં રસ હોય તો એક મસ્ત સાઇટ અમારે હાથ લાગી છે. નામ છે, ક્રિટિકલ પાસ્ટ (www.criticalpast.com ). આ સાઇટના દાવા પ્રમાણે અહીં પાછલાં એકસો વીસ વર્ષના ૫૭ હજારથી પણ વધુ વીડિયોઝ અને સિત્તેર લાખથી પણ વધુ ફોટોગ્રાફ્સ અવેલેબલ છે. અહીં આપ સાલ પ્રમાણે સર્ચ કરો અથવા તો તમારા મનમાં હોય તે વિષય એન્ટર કરીને સર્ચ કરો અથવા આપની જન્મતારીખે યા તો આ અઠવાડિયે કોઇ પણ સાલમાં વિશ્વમાં શું શું હલચલો થયેલી એ જાણવા માટે પણ આપ સર્ચ આપી શકો છો.
ડ્રોઇંગ રૂમમાંથી ચંદ્રાયન અને પાતાળપ્રવેશ!
અમેરિકન અંતરીક્ષ સંશોધન સંસ્થા ‘નાસા’એ એપોલો-૧૧ના ચંદ્ર પરના ઉતરાણની ચાળીસમી વર્ષગાંઠ wechoosethemoon.org નામે એક અદભૂત વેબસાઇટ બનાવીને કરી. આ સાઇટ પર આપને ચંદ્રયાત્રાનો લગભગ વાસ્તવિક અનુભવ મળી શકશે. આપણી પૃથ્વી પરથી ધીમેધીમે અદ્રશ્ય થઇ રહેલાં પીવાનાં શુદ્ધ પાણીનો જાયઝો લેવા માટે (ભીના થયા વિના) લગભગ વાસ્તવિક અનુભવ લેવો હોય, તો ક્લિક: waterlife.nfb.ca. બંને સાઇટ્સ મસ્ટ વિઝિટ!